Translate

Sunday, March 19, 2017

મંગલમય જંગલ

હમણાં એક લેખ વાંચ્યો જંગલ પ્રત્યેના પ્રેમ વિશે. મનુષ્ય કાળક્રમે ઉત્ક્રાંતિ થતાં જંગલમાંથી આજની તેણે ઉભી કરેલી દુનિયા તરફ વળ્યો, પણ તેના મૂળિયા જંગલ સાથે જોડાયેલા છે.આદિમાનવ જંગલની ગુફામાં રહેતો અને આમ તેનું જંગલ સાથે,પ્રકૃતિ સાથે કુદરતી જોડાણ છે.આથી સંગીત થેરાપી, એક્યુપંક્ચર થેરાપી, સુગંધ થેરાપીની જેમ એક નવી થેરાપી ઉદભવી છે - જંગલ થેરાપી. જેમાં હઠીલા રોગ ધરાવતા દર્દીને જંગલમાં રહેવાનું સૂચન કરાય છે. ત્યાં મળતી ખુલ્લી ચોખ્ખી હવા, શુદ્ધ ભેળસેળ વગરના ખોરાક અને તાણમુક્ત વાતાવરણ વચ્ચે દર્દીનો રોગ ચોક્કસ ટૂંક સમયમાં સારો થઈ જાય છે.
હું જંગલનો પ્રેમી છું. મને જંગલની મુલાકાતે જવું, તેમાં રહેવું બેહદ પસંદ છે.પણ આપણા શહેરી જનોને જે બધું પસંદ હોય તે કંઈ થોડું સદાયે મળી રહેતું હોય છે? છતાં એક વાતનો દિલાસો છે કે આપણાં મુંબઈની આસપાસ સંજય ગાંધી નેશનલ પાર્ક, આરે કોલોની, ભાયખલા નો રાણી બાગ જેવા જંગલો મોજૂદ છે. ભલે ત્યાં લાંબો કે કાયમી વસવાટ થઈ શકે પણ એકાદ-બે દિવસ રહેવાની સગવડ તો નેશનલ પાર્કનાં જંગલમાં ઉભી પણ કરવામાં આવી છે.
જંગલની વાત નોખી! ત્યાંનું વાતાવરણ, લીલોતરી, આબોહવા, પૃષ્ઠભૂમિ, જળાશયો, વનરાજી - ફળફૂલ, પ્રાણીઓ,જંતુઓ,દિવસ,રાત, ઋતુઓ બધું નોખું.
જંગલની કેડીએ ચાલતા હોવ તો ધૂળીયે મારગ દિવસેય તમને અંધારું લાગવાની સંભાવના ખરી અને ભર ઉનાળેય તમને ગરમી પ્રકોપમય વર્તાતા, વનરાજીને લીધે ઠંડક વર્તાય એવી શક્યતા ખરી! ચોમાસામાં તો જંગલના સ્વરૂપનું પૂછવું શું? વનસ્પતિ અને જંગલનો જેમ અતૂટ નાતો છે એમ પ્રાણી-પંખી-જંતુઓનો પણ જંગલ સાથે અજોડ રિશ્તો છે. જંગલની કલ્પના સજીવો વગર અને સજીવોની કલ્પના જંગલ વગર કરવી અઘરી છે. સર્કસ કે પ્રાણીબાગમાં પણ તમને પ્રાણીઓ જોવા મળે પણ એની સરખામણી જંગલવાસી પશુઓ સાથે થઈ શકે ખરી?
                જંગલમાં કે જંગલમાં થઈને પ્રવાસે જવ ત્યારે  ભરદિવસે ઉંચા ઉંચા વૃક્ષોની ઘટાઓને કારણે સૂર્યપ્રકાશ જંગલની જમીન સુધી પહોંચી શકતો નહોય તેથી વાતાવરણ અંધારીયું પણ મનોગમ્ય - ઠંડુ હોય. ઘડીક ધીમી તો ઘડીક તેજ રફતારે આગળ વધતા, માર્ગમાં ઝાડ પર ચડતા તો ક્યાંક ઝરણાં-નદીમાં પગ પલાળતાં આગળ વધવાની મજા પ્રવાસની અન્ય કોઈ પ્રવૃત્તિમાંથી મળતા આનંદ કરતા ચોક્કસ વધારે હોય છે! માર્ગમાં ઝાડ પરથી તોડી તાજા ફળો ખાવાની કે ઝાડી-ઝાંખરા આઘાપાછા કરી આગળ વધવાની મજા તો જંગલના પ્રવાસમાં માણવા મળે. માર્ગમાં જો કોઈ પ્રાણીનો અવાજ કે પંખીનું શહેરમાં ક્યારેય સાંભળેલું ગીત કાને પડી જાય તો ત્યારે ઉભા થતા મનોભાવ રોમાંચક તો ક્યારેક ભય ઉત્પન્ન કરનારા પણ બની રહેતા હોય છે! એમાંયે જો પ્રાણી કે પંખી નજરે ચડી જાય તો - તો મારા જેવા પ્રકૃતિપ્રેમીને તો જાણે સ્વર્ગ મળ્યા જેવી અનુભૂતિ થાય!
જંગલમાં ઉગેલું લીલુંછમ ઘાસ કે લતામંડપ કે પછી તેમાં થઈને વહેતી નદીનો ખળ ખળ ખળ ખળ મધુરો નાદ મનમાં એવા સ્પંદન જગાડે છે કે અનુભવ તમને સંપૂર્ણ રીતે રીલેક્સ કરી દે છે - તમે જાણે એક જુદી દુનિયામાં પહોંચી જાવ છો, તમારા સઘળા ટેન્શન્સ-તાણનો સમૂળગો નાશ થઈ જાય છે.
જંગલમાં જો કોઈ મંદીર કે ગુફા જડી જાય તો ત્યાં રાતવાસો કરવાની કેવી મજા પડે!
દિવસ કરતા તદ્દન જુદું એવું જંગલનું બીજું સ્વરૂપ તમને રાતવાસો કરો તો જોવા મળે.અંધારું ભયંકર હોય અને તમરાં અને અન્ય વન્ય જીવોના અવાજ ભયમાં વધારો કરી શકે પણ પ્રકૃતિ પ્રેમીને મન તો ભયનીયે પ્રિતી હોય! ઘણી વાર જંગલમાં ઉંચા ઝાડ પર માંચડો બનાવી પ્રકૃતિપ્રેમીઓ તેમાં રાતવાસો કરતા હોય છે જેથી રાતે તરસ છિપાવવા ટોળામાં નિકળેલા પ્રાણીઓને નિહાળી શકાય,તેમની સંખ્યાની ગણતરી કરી શકાય. નેશનલ પાર્કમાં આવા કૃત્રિમ જળાશય ચોક્કસ સ્થાને ઉભા કરાયા છે અને તેમની નજીક ઉંચા મચાન ઉભા કરાયા છે.
ભીમાશંકરના જ્યોતિર્લિંગના દર્શને આજથી કદાચ બે દસકા અગાઉ જંગલને રસ્તે થઈને મિત્રો સાથે ગયેલો તે દિવસનો અનુભવ આજે પણ મનની સ્મૃતિમાં લીલોછમ - તાજો છે! તો લોહગઢ કે હરીશ્ચંદ્રગઢ પર જવા માટે ઓવરનાઈટ ટ્રેકીંગ કરતી વેળાએ આખી રાત જંગલનો સહવાસ માણતા માણતા કરેલી યાત્રા વેળાએ મનમાં જન્માવેલી અવિસ્મરણીય અનુભૂતિ જીવનપર્યંત એટલી તાજી રહેશે જેટલી તાજી હોય છે જંગલની વહેલી સવારની શુદ્ધ હવા! ગુજરાતનાં વિરેશ્વર મહાદેવનું ઇડર નજીકનું જંગલમાં આવેલું શિવાલય હોય કે પછી કોરાઈગઢ પર આવેલું મહારાષ્ટ્રનું કોરાઈદેવીનું મંદીર; મહારાષ્ટ્રના પેબ, નાખિંડ, વાંગણી, માથેરાન, વિસાપુર, પ્રબલગઢ  વગેરે જેવા સ્થળોએ કરેલા ટ્રેકીંગનો અનુભવ; મનાલી-ધરમશાલા-ચંબા-ડેલહાઉસી જેવા વિસ્તારોની હનીમૂનની ખાસ યાત્રા વખતે લીધેલી મુલાકાત; કેરળના મુન્નાર અને ઠેકડી જેવા વિસ્તારોમાં કે આસામના કોર્બેટ નેશનલ પાર્ક કે માજુલી જેવા નદી પરના ટાપુ જેવા પ્રદેશની ગલીઓમાં પરીવાર સાથે કરેલી સહેલગાહ; વિદેશ ફર્યાનો તો વિશેષ અનુભવ નથી પણ સ્વીત્ઝરલેન્ડ ગયેલો ત્યારે હાર્દર કુલ્મ નામની ત્યાંની એક પર્વતની ટોચે આવેલી જગાની મુલાકાત - બધી યાત્રાઓ અવિસ્મરણીય બની રહી છે દરેક વેળાએ માણેલા જે-તે જંગલપ્રદેશના અનુભવને લીધે!
જંગલમાં સિંહ-વાઘ જેવા વિકરાળ પ્રાણીઓ પણ હોય અને મદમસ્ત હાથી કે લાંબા તાડ જેવા જીરાફ પણ હોય,નાભિમાં કસ્તૂરી સંતાડી પૂર ઝડપે ભાગતા હરણાં પણ હોય અને જમીનમાં બખોલ કરી તેમાં બચ્ચા સંતાડી કૂદકા મારી ચાલતાં સસલા પણ હોય. અહિં જાડાપાડા અજગર પણ હોય અને લાંબા ભયાનક એનાકોન્ડા જેવા સાપ પણ. અહિં સુંદર ખુશ્બુ દાર ફૂલોની મહેક પણ પ્રસરેલી જોવા મળે તો નાનકડા જંતુ-પ્રાણીઓને ભક્ષી જતી વનસ્પતિ પણ. બધાં અહિં સહજીવન માણે છે અને એક બહુ અગત્યનો પાઠ આપણે જંગલ પાસેથી શિખવાનો છે.
જે પોષતું તે મારતું ક્રમ દીસે છે કુદરતી... વિરોધાભાસી તત્વોને પોતાનામાં સમાવી લેતાં જંગલ પૃથ્વી પર જીવન ટકી રહે માટે એટલા જરૂરી છે જેટલા જરૂરી માટે આપણને હવા-પાણી અને પ્રકાશ લાગે છે.

Sunday, March 12, 2017

યુદ્ધ અને કોલેજોના પ્રાંગણમાં ચાલતી રાજકારણીય પ્રવૃત્તિઓની નિરર્થકતા

દસમા ધોરણમાં ગુજરાતી બાલભારતીમાં શ્રી માધવ રામાનુજ રચિત એક પંક્તિનું એક મુક્તક કાવ્ય ભણવામાં આવતું હતું. એટલું અસરકારક અને ચોટદાર કે હજી સ્મૃતિમાં અકબંધ છે. કાવ્યના શબ્દો હતા :
" એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો તો ટેન્ક પર માથુ મૂકી ઉંઘી લઉ."
યુદ્ધની નિરર્થકતા અને સૈનિકના થાક અને કંટાળાને આટલી ચોટદાર રીતે રજૂ કરવાનું આનાથી વધુ સારી રીતે અને ઓછા શબ્દોમાં શક્ય નથી.
                ગુરમહેર કોર દિલ્હી યુનિવર્સીટીની મહિલાઓ માટેની લેડી શ્રીરામ કોલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરતી વીસેક વર્ષીય યુવતિ છે. મૂળ જલંધરની ગુરમહેરના પિતા મનદીપ સિંઘ ભારતીય સૈનિક હતા અને તેઓ ૧૯૯૯ના પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં જમ્મુ-કાશ્મીર ખાતે શહીદ થયા હતાગુરમહેરનું નામ હાલમાં બે કારણો સર ખાસ્સુ ચર્ચાસ્પદ બન્યું છે. એક તેણે યુદ્ધની નિરર્થકતાને લઈ એપ્રિલ ૨૦૧૬માં એક વિડીઓ સંદેશ પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો જેમાં લખ્યું હતું "મારા પિતાની હત્યા માટે પાકિસ્તાન જવાબદાર નથી, યુદ્ધ જવાબદાર છે." પોસ્ટકાર્ડ્સ  ફોર  પીસ નામની એક ચેરીટેબલ સંસ્થાની એમ્બેસેડર હોવાથી ગુરમહેરે વિડીઓ મેસેજ બનાવી અને ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. વાત દસેક મહિના જુની છે અને ત્યારે વિડીઓની એટલી ચર્ચા નહોતી થઈ જેટલી હાલમાં વિડીઓ ફરી સોશિયલ નેટવર્ક પર સક્રીય થતા જોરશોરમાં થઈ રહી  છે વિડીઓ ફરી લાઈમલાઈટમાં આવવા પાછળ બીજું કારણ જવાબદાર છે જેને લઈને ગુરમહેરનું નામ ચર્ચાસ્પદ બન્યું છે. બીજું કારણ છે ગુરમહેરનું 'સેવ ડીયુ કેમ્પેન' (દિલ્હી યુનિવર્સીટી બચાવો અભિયાન) જે તેણે પડતું મૂકી દીધું છે કારણ એમાં ભાગ લેવા બદલ તેને હત્યા અને રેપની ઓનલાઈન ધમકીઓ મળી છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં દિલ્હીના રામજસ કોલેજના પ્રાંગણમાં પંકાયેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ (એમને વિદ્યાર્થીઓ કહેવા કે નહિ પણ પ્રશ્ન છે?) ઉમર ખાલીદ અને શહેલા રશીદને એક સેમિનારમાં ભાગ લેવા આમંત્રણ અપાયેલું જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થાના કાર્યકરોએ વિરોધ કર્યો અને બખેડાએ હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું. .બી.વી.પી. ના કાર્યકરો દિલ્હી યુનિવર્સીટીના પ્રાંગણમાં આચરેલી કથિત હિંસાના વિરોધમાં ગુરમહેરે ફરી એક સંદેશ ઓનલાઈન વહેતો મુક્યો અને મુદ્દાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું અને તેની ચર્ચામાં અનેક બૌધ્ધિકો, સેલીબ્રીટીઝ અને રાજકારણીઓ જોડાયા. છેવટે ગુરમહેરને હત્યા અને રેપની ધમકીઓ મળતા તે કેમ્પેન છોડી પોતાના ઘર ભણી રવાના થઈ ગઈ.
                 યુદ્ધ જેવી નિરર્થક અને વિનાશકારી બીજી કોઈ ઘટના હોઈ શકે નહિ એમાં બેમત નથી. ગુરમહેરનો દસેક માસ અગાઉ બનાવાયેલો અને ઓનલાઈન પોસ્ટ થયેલો સાડા ચારેક મિનિટનો વિડીઓ મેં પોતે પણ જોયો છે.એમાં દર્શાવાયેલ એકે એક પોસ્ટકાર્ડ મેસેજ સાથે હું સહમત છું. પિતાને  બે વર્ષની વયે ગુમાવ્યાની વેદના અને માટે જવાબદાર યુદ્ધ અંગેના વિચારો કોઈનામાં પણ સહાનુભૂતિ જન્માવ્યા વગર રહે નહિ. વિડીઓમાં ગુરમહેર સ્વીકારે છે કે પહેલા તે પાકિસ્તાનને અને બધાં મુસ્લીમોને ધિક્કારતી હતી. વર્ષની વયે તો એક બુરખાધારી મહિલાને ચાકુ મારવાની પણ તેણે કોશિશ કરી હતી કારણ તેને એવું લાગ્યું હતું કે તેના પિતાની હત્યા પાછળ મહિલા જવાબદાર છે!પણ તેની માતાએ તેને સમજાવ્યું કે તેના પિતાની હત્યા પાકિસ્તાને નહિ, યુદ્ધે કરી હતી.છેવટે તેને સત્ય સમજાયું અને તે પણ પિતાની જેમ સૈનિક બની ગઈ - ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાય માટેની સૈનિક! કહે છે જો બંને દેશો વચ્ચે યુદ્ધ નહિ થાય તો તેના પિતા જેવા અનેક પિતાઓની હત્યા નહિ થાય.તે બંને દેશોની સરકારોને ઢોંગ કરવાનું બંધ કરવા કહે છે અને સાચી સમસ્યાનો હલ લાવવા સૂચન કરે છે.બે વિશ્વયુદ્ધો પછી ફ્રાન્સ અને જર્મની મિત્રો બની શકતા હોય,જાપાન અને અમેરિકા પોતાના ભૂતકાળને ભૂલી જઈ વિકાસની દિશામાં સાથે આગળ વધી શકતા હોય તો આપણે શા માટે નહિ? તે ભારત અને પાકિસ્તાનના નેતાઓને પડકાર આપે છે, કહે છે કે આપણે થર્ડ વર્લ્ડ પ્રકારની નેતાગિરી સાથે ફર્સ્ટવર્લ્ડ કન્ટ્રી બનવાનું સ્વપ્ન સેવી શકીએ નહિ,માટે ઉઠો અને બંને દેશો વચ્ચે સુમેળ સ્થાપવાના કામમાં લાગી જાવ.રાષ્ટ્ર પ્રેરીત આતંકવાદ હવે બહુ થઈ ગયો,રાષ્ટ્ર પ્રેષિત જાસૂસો પણ હવે બહુ થઈ ગયા,રાષ્ટ્ર સર્જીત નફરતની પણ હવે હદ આવી ગઈ,સરહદની બંને પાર હદથી વધુ લોકો મરી ચૂક્યા,બસહું એવા વિશ્વમાં જીવવા ઇચ્છું છું જ્યાં કોઈ ગુરમહેર કોર પોતાના પિતાની યાદમાં કણસતી હોય.હું એકલી નથી,મારા જેવા બીજા ઘણાં છે. #ProfileForPeace સંદેશ સાથે છેલ્લે ગુરમહેર શાંતિ ઇચ્છતા દરેક જણને વિડીઓ શેર કરવા અનુરોધ કરે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બધી સમસ્યાઓનો હલ છે. હિંસા ક્યારેય અંતિમ પર્યાય હોઈ શકે નહિ. યુદ્ધ કોઈ સમસ્યાનું નિરાકરણ બની શકે નહિ એવા સત્ય વિચારોને રજૂ કરતા વિડીઓને જોયા બાદ માલૂમ થાય કે ગુરમહેરના મુદ્દાને મિડીઆએ ખોટી રીતે ઉછાળ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે તો આપણાં પ્રયત્નો ચાલુ છે, પ્રધાનમંત્રી પણ માટે અનેક પહેલ કરી ચૂક્યા છે, બંને દેશના નાગરીકોતો શાંતિ ઇચ્છે છે પણ પાકિસ્તાનના કેટલાક નાપાક તત્વો શાંતિ અને સુલેહ ઇચ્છતા નથી. પાકિસ્તાનના સામાન્ય નાગરીકો તો ભારતની આમ જનતા જેવા છે. પણ સત્તા ભૂખ્યા રાજકારણીઓ અને ત્યાંના કેટલાક અસામાજીક તત્વો બંને દેશ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો બંધાય એવું થવા નથી દેતા. ગુરમહેરના વિધાનનું અર્થઘટન જો કે વિડીઓ ઓનલાઈન પોસ્ટ થયો ત્યારે ઉંડાણ પૂર્વક કરાયું નહોતું. પણ તાજેતરમાં વિદ્યાર્થીઓ અને .બી.વી.પી. વચ્ચેના સંઘર્ષ સમયે વિડીઓ મિડીઆ દ્વારા ફરી ફરતો કરાયો અને તેનું પિષ્ટપેષણ કરાયું.
દિલ્હી યુનિવર્સીટીના કેમ્પસની વાત કરીએ તો ત્યાંનું વાતાવરણ ચોક્કસ અતિ દૂષિત જણાય છે. પાછળ મેલું રાજકારણ અને ભ્રષ્ટ ગંદા રાજકારણીઓ જવાબદાર છે.વિદ્યાલય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેનું પવિત્ર સ્થળ છે નહિ કે રાજકારણના કાવાદાવા શિખવા માટેના અખાડા. હકીકત દિલ્હી યુનિવર્સીટી અને જે.એન.યુ. જેવી શિક્ષણ સંસ્થાના સત્તાવાળાઓ ભૂલી ગયા લાગે છે.

સરકારે હવે મુદ્દે ઘટતું કરવું રહ્યું. વિદ્યાલયોના પ્રાંગણમાં ચાલતી તમામ રાજકારણીય પ્રવૃત્તિ સદંતર બંધ કરી દેવી જોઇએ.વિદ્યાર્થીઓને માત્ર વિદ્યા અપાવી જોઇએ, તેમના કુમળા મન પર અસર થાય એવી પ્રવૃત્તિઓ, એવા સંગઠનો, એવા કાર્યક્રમો બિલકુલ થવા દેવા જોઇએ નહિ. કન્હૈયા કુમારો, ઉમર ખાલીદો, શહેલા રસીદો જેવા યુવાનો ભ્રમિત થઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાય છે માટે કેમ્પસમાં યોજાતા ભડકાવનારા કાર્યક્રમો જવાબદાર છે. વિદ્યાર્થી સંગઠનો પણ રાજકારણ તરફ ઝોક ધરાવનાર હોય અને માત્ર વિદ્યા કે શિક્ષણને લગતી બાબત માટે બનાવાય અને સંકળાય એનું ધ્યાન જે તે કોલેજના પ્રિન્સિપલ અને મેનેજમેન્ટે રાખવું જોઇએ. દિલ્હીની કોલેજોમાં વ્યાપી ગયેલો સડો વહેલામાં વહેલી તકે દૂર કરવો આવશ્યક છે નહિતર ભારતની યુવાપેઢીને ભરખી જનાર સાબિત થઈ શકે છે.